સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની નૂતન જનરલ હોસ્પિટલમાં કાર્યરત covid સેન્ટરમાં મોટા પ્રમાણમાં કોરોના ના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે, હાલના સંજોગોમાં સમગ્ર ભારત દેશમાં મેડિકલ ઓક્સિજન ની અછત હોવાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની દાખલ કરવાની વ્યવસ્થા હોવા છતાં દાખલ કરી શકાતા નથી. તેવા કટોકટી નાં સમયે યુંનિવર્સિટી કેમ્પસ માં ૨૫ એમકયુની કેપેસિટી ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ ૧૫ દિવસમાં સ્થાપિત કરી કાર્યરત કરવામાં આવશે, જેનાથી ૧૫ વેન્ટિલેટર અને ૬૦ ઓક્સિજન બેડની જરૂરિયાતવાળા દર્દીઓને સારવાર આપી શકાશે.
પ્રવર્તમાન સંજોગોમાં ઓક્સિજનની અછત ની સામે મેડીકલ હોસ્પિટલમાં તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેનો પ્રત્યક્ષ લાભ મહેસાણા જિલ્લાના દર્દીઓને મળશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા ત્વરિત આ નિર્ણય કરી પ્લાન્ટ ની અંદર જરૂરી એવી વિદેશની સામગ્રી પ્લાન્ટ ઉત્પાદકને મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે. ઓક્સિજન પ્લાન્ટ ૧૫ દિવસમાં કાર્યરત કરવામાં આવશે. આ પ્લાન્ટ ની અંદાજીત કિંમત ૫૦ લાખ જેટલી રહેશે. કોરોનાની મહામારી ખુબ જ ઝડપી પ્રસરી રહી છે ત્યારે આ પ્લાન્ટ માટે યુનિવર્સિટીનાં ફાર્મસીના ડીન ડૉ. જે.કે. પટેલ દ્વારા ૫,૫૧,૦૦૦/-, નટુભાઈ નરોત્તમભાઇ પટેલ લાછડી વાળા તરફથી ૧,૫૧,૦૦૦/- નું દાન જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઘણા દાતાશ્રીઓએ પોતાનું યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સમગ્ર દેશ જ્યારે આ કપરા સમયમાં કોરોના મહામારી સામે લડત આપી રહ્યો છે તેવા સમયે દાતાશ્રીઓનો સંસ્થા દ્વારા આભાર માનવમાં આવે છે.