સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

યોગદર્શન એક એવું શાસ્ત્ર છે જે મનુષ્યના શરીરનું આત્મા સાથે જોડાણ કરાવે છે તથા સ્વસ્થ, સ્વાવલંબી અને તંદુરસ્ત સમાજની સંકલ્પના સાકાર કરવામાં મદદરૂપ થાય છે. આ સિદ્ધાંતને ચરિતાર્થ કરવા માટે સમગ્ર વિશ્વમાં ૨૧ જુનના દિવસે વિશ્વ યોગદિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા યુ.જી.સી., આયુષ મંત્રાલય અને ગુજરાત યોગબોર્ડ ના નિશ્ચિત કરેલ પ્રોટોકોલને અનુસરી વિશ્વ યોગદિવસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિશ્રી અને ફિટ ઇન્ડિયા મુમેન્ટના ગુજરાતના નોડલ ઓફિસર ડૉ. અર્જુન સિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌપ્રથમ આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર "ફિટનેસ કે ડોઝ આધા ઘંટાકા રોઝ" ને દરેક નાગરિક અપનાવે અને આ કોરોના મહામારીમાં યોગયુક્ત દિનચર્યાથી રોગમુક્ત જીવન બનાવે તેવી વિનંતી કરી હતી. વિદ્યાર્થી મિત્રોને કોરોના મહામારીના સમયે શરીરને તંદુરસ્ત રાખી નિરોગી જીવન જીવવા માટે દૈનિક દિનચર્યામાં યોગ, આસન અને પ્રાણાયામનો સમાવેશ કરવા આહવાન કર્યું હતું. યોગાચાર્ય તરીકે ફિટનેસ ટ્રેનર તથા પંચગવ્ય સ્પેશિયાલિસ્ટ શ્રી રત્નાકર પાઢે ઉપસ્થિત રહી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને ઓનલાઇન માધ્યમથી યોગની તાલીમ આપી હતી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. જે.આર. પટેલે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વએ ભારતીય યોગ પ્રણાલી, મુદ્રાજ્ઞાન, પ્રાણાયામ તથા સૂર્યનમસ્કારનો સહર્ષ સ્વીકાર કરેલ છે એ આપણાં સૌના માટે ગૌરવની બાબત છે. આ ઉજવણીના ભાગરૂપે ઓપન ફિટનેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થી અને પ્રાધ્યાપક મિત્રોએ ખુબ રસપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની ફિટનેસ એક્સરસાઇઝ, યોગાસન તથા ધ્યાન, પ્રાણાયામનો વિડિઓ અપલોડ કર્યો હતો. જે અંતર્ગત પ્રથમ ત્રણ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. રેખા સાવનાનીએ આભારવિધિ કરી વિધાર્થી મિત્રોને આ કપરા સમયમાં શારીરિક અને માનસિક ફિટનેસ જાળવી સમાજ માટે ઉત્તમ આદર્શ પુરા પાડવા પ્રોત્સાહન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગદિવસની સફળતાપૂર્વક ઉજવણી બદલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડૉ જે.આર. પટેલ, રજીસ્ટ્રાર ર્ડા. રેખા સાવનાની તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડૉ. હીરક જોશી, ડૉ. જયેશ ઠક્કર, ડૉ. હેમંત પરીખ, એન.એસ.એસ. કોર્ડિનેટર ડૉ. રાકેશ પટેલ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply